Monday, April 12, 2010

what you want my dear friends students from our education system?

વિદ્યાર્થીઓને સ્કૂલ અને ટયૂશનના બેવડા બોજામાંથી મુક્ત કરો
ન્યૂઝ વ્યુઝ
આના લેખક છે GSNEWS
રવિવાર, 11 એપ્રિલ 2010


ટયૂશનમાં જ ભણતાં વિદ્યાર્થીઓની માત્ર પરીક્ષા લેવાની છૂટ સ્કૂલોને આપી દેવામાં આવે તો વિદ્યાર્થીઓને સ્કૂલની હાજરીમાંથી મુક્તિ મળી જાય તેમ છે
કેન્દ્ર સરકારે તાજેતરમાં શિક્ષણને મૂળભૂત અધિકાર ગણાવતો કાયદો પસાર કર્યો છે, પણ તેને કારણે સ્કૂલ અને ટયૂશનની ચક્કીમાં પીસાતાં કરોડો બાળકોને રાહત મળવાની નથી. અગિયારમાં ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓની હજી પરીક્ષા પૂરી થઈ નથી ત્યાં ૧૨માં ધોરણનાં ટયૂશનો શરૃ થઈ ગયાં છે. સ્કૂલોમાં ભણાવતા શિક્ષકોએ ટયૂશન ન કરવા જોઈએ, એવો ગુજરાત સરકારનો કાયદો પોથીમાંનાં રીંગણાં જેેેવો પુરવાર થયો છે. આજે શહેરનો કોઈ વિદ્યાર્થી જુનિયર કે.જી.માં એડમિશન લે એટલે તેની મમ્મી ટયૂશન ટીચરની તપાસ શરૃ કરી દે છે. જુનિયર કે.જી.નાં શિક્ષણનું માધ્યમ અંગ્રેજી હોય અને માબાપને અંગ્રેજી આવડતું ન હોય એટલે મહિને ૨૦૦-૩૦૦ રૃપિયાનો ખર્ચ કરીને ચાર વર્ષના બાળકનું ટયૂશન રાખવું પડે છે. આ ટયૂશનનો સિલસિલો છેક કોલેજ સુધી ચાલે છે.
એક સમય એવો હતો કે સ્કૂલના માત્ર ઠોઠ વિદ્યાર્થીઓ જ ટયૂશન્સ રાખતા હતા. હોંશિયાર વિદ્યાર્થીના માબાપ તો ક્યારેય ટયૂશન્સ રાખવાની કલ્પનાસુદ્ધાં કરતા નહોતા. કોઈ વિદ્યાર્થી અભ્યાસમાં નબળો હોય અને તેણે ટયૂશન્સ રાખવા પડે તો તે શરમની નિશાની કહેવાતી. શિક્ષણમાં જ્યારથી સ્પર્ધાનું તત્ત્વ વધી ગયું ત્યારથી દસમા ધોરણના હોંશિયાર વિદ્યાર્થીઓ સારી કોલેજમાં પ્રવેશ પ્રાપ્ત કરવા માટે અને બારમા ધોરણના વિદ્યાર્થીઓ તબીબી કે ઈજનેરી વિદ્યાશાખાઓમાં પ્રવેશ માટે ટયૂશનો રાખવા લાગ્યા. તેનો ચેપ સ્કૂલના બીજા વિદ્યાર્થીઓ સુધી ફેલાતા ફેલાતા છેક જુનિયર કે.જી. અને તેનાથી પણ નીચેના સ્તરે પહોંચી ગયો. આજે તો વાલીઓ પોતાનાં બાળકને સારી નર્સરી સ્કૂલમાં આસાનીથી પ્રવેશ મળી જાય તે માટે ઈન્ટરવ્યૂની તૈયારી માટે પણ ટયૂશન્સ રાખે છે.
ટયૂશન રખાવનાર કોઈ પણ વિદ્યાર્થીને કે વાલીને તેનું કારણ પૂછવામાં આવે ત્યારે એક જ સ્ટાન્ડર્ડ જવાબ મળે છે કે સ્કૂલમાં શિક્ષક સરખું ભણાવતા નથી. જે ભણાવવામાં આવે છે તે સરખું સમજાતું નથી. બાળકને ઓછા માર્કસ આવે છે. તે પરીક્ષામાં નપાસ થઈ જાય એવો ડર રહે છે. એટલે ટયૂશન તો રાખવું જ પડે. આ જવાબ ખૂબ જ વિચારણીય છે. આપણી સરકાર શૈક્ષણિક સંસ્થાઓ ચલાવવા પાછળ વર્ષે સાત હજાર કરોડ રૃપિયાનો ખર્ચ કરે છે. આ ઉપરાંત માબાપો ફી પાછળ અબજો રૃપિયા ખર્ચે છે. જો આટલો ખર્ચ કર્યા પછી પણ સ્કૂલના શિક્ષકો બાળકને સરખું ભણાવતા ન હોય અને વિદ્યાર્થીએ માત્ર પાસ થવા માટે જ કોચિંગ કલાસ, ટયૂશન, ગાઈડો અને વર્કબુકોનો સહારો લેવો પડતો હોય તો શિક્ષણ પાછળ સરકારે આટલો બધો ખર્ચો જ કરવાની શી જરૃર છે?
સમયની રીતે વિચારીએ તો આજે સ્કૂલમાં ભણતા દરેક વિદ્યાર્થીના દરરોજ પાંચથી સાત કલાક સ્કૂલના શિક્ષણ પાછળ વેડફાય છે. જો આટલા બધા સમયનો ભોગ આપ્યા પછી સ્કૂલમાં જો વિદ્યાર્થી સરખું ભણી ન શકતો હોય અને તેને ભણવા માટે ટયૂશનનો આકરો ખર્ચો કરવો પડતો હોય અને બીજા બે કલાક બગાડવા પડતા હોય તો સ્કૂલ પાછળ આટલો બધો સમય વેડફવાની શી જરૃર છે? શું એ વાત ખરેખર સાચી છે કે આજકાલના શિક્ષકો સ્કૂલમાં સરખું ભણાવતા નથી એટલે ફરજિયાત ટયૂશન તો રખાવવું જ પડે?
     કોલેજના વિદ્યાર્થીઓની તો વાત જ નિરાળી છે. તેઓ સ્પષ્ટ કહે છે કે અમે કોલેજમાં ભણવા જતા નથી પણ મોજમસ્તી કરવા અને વિજાતીય પરિચય કેળવવા માટે જઈએ છીએ. તો પછી જેમને ખરેખર ભણવું હોય તેઓ શું કરે છે? તેઓ કોચિંગ કલાસ જોઈન્ટ કરે છે. કોલેજની ફી વર્ષે ૫૦૦ કે ૧૦૦૦ રૃપિયા જેટલી ઓછી હોય છે, કારણ કે સરકાર વર્ષે ૬૧૫ કરોડ રૃપિયા યુનિવર્સિટીની ડિગ્રી કોલેજો પાછળ ખર્ચે છે, જેના વડે ફીમાં રાહત આપવામાં આવે છે. આ રાહતનો ઉપયોગ વિદ્યાર્થીઓ મોજમજા અને મનોરંજન પાછળ કરે છે. પછી ભણવા માટે તેઓ કોચિંગ કલાસ જોઈન્ટ કરે છે, જેની વાર્ષિક ફી દસથી બાર હજાર રૃપિયા હોય છે. અહીં વિચારવાનું એ રહે છે કે જે વિદ્યાર્થીને કોચિંગ કલાસની દસ-બાર હજારની ફી પરવડે છે તેને સરકારે શા માટે કરદાતાઓ ઉપર બોજ નાખીને કોલેજની ફીમાં રાહત આપવી જોઈએ?
     સ્કૂલોની હાલત પણ કંઈ સારી નથી. એસએસસીનો વિદ્યાર્થી આજે ટયૂશન પાછળ વર્ષે પંદરથી પચ્ચીસ હજાર રૃપિયા ખર્ચી શકે છે પણ સ્કૂલને સરકારી ગ્રાન્ટ મળતી હોય એટલે સ્કૂલની ફી એકદમ નગણ્ય જ હોય છે. હવે જો વિદ્યાર્થીઓ સ્કૂલમાં ભણતા જ ન હોય અને વાલીઓએ બાળકને ભણાવવા માટે ટયૂશનો અને કોચિંગ કલાસનો ખર્ચો કરવો જ પડતો હોય તો શા માટે બાળકને સ્કૂલે મોકલવું જોઈએ? તેનો જવાબ ખૂબ સૂચક છે. વાલીઓ કહેશે કે અમે જો વિદ્યાર્થીને સ્કૂલમાં ન મોકલીએ તો તેની પરીક્ષા કોણ લે? તેને આગલા ધોરણમાં ચડાવે કોણ? આ જવાબ ઉપર ખરેખર વિચાર કરવાની જરૃર છે. આજની સ્કૂલોને ટયૂશનમાં જતાં વિદ્યાર્થીને ભણાવ્યા વિના માત્ર પરીક્ષા લેવાની છૂટ આપી દેવામાં આવે તો સ્કૂલમાં વિદ્યાર્થીઓનો બરબાદ થતો સમય બચાવી શકાય ખરો ?
        સ્કૂલમાં બંને પ્રકારની સગવડ હોવી જોઈએ. એક, જે વિદ્યાર્થીઓ સ્કૂલમાં જ ભણીને સ્કૂલમાં પરીક્ષા આપવા માંગતા હોય તેમના માટેનો વિભાગ, બીજો વિભાગ જે વિદ્યાર્થીઓ કોચિંગ કલાસમાં કે ટયૂશનમાં કે ઘરે જાતે ભણી સ્કૂલમાં પરીક્ષા આપવા માંગતા હોય તેમના માટેનો અલગ વિભાગ હોવો જોઈએ. આ વિદ્યાર્થીઓ માત્ર પરીક્ષા આપવા માટે જ સ્કૂલમાં આવતા હોય. તેમણે માત્ર પરીક્ષા ફી જ ભરવાની રહે. પોતાના અન્ય વિદ્યાર્થીઓ સાથે સ્કૂલ તેમની પણ પરીક્ષા લે અને રિઝલ્ટ જાહેર કરે. જો બધી જ સરકાર માન્ય શાળાઓમાં આ પ્રકારની સવલત આપવામાં આવે તો અનેક વાલીઓ પોતાનાં બાળકોને સ્કૂલમાંથી ઉઠાડી લે. લાખો વિદ્યાર્થીઓ શિક્ષણના બેવડા ત્રાસમાંથી મુક્ત થઈ જાય. આ બચેલા સમયમાં તેમના વ્યક્તિત્વનો સર્વક્ષેત્રી વિકાસ થાય એવી અનેક કળાઓ તેમને શીખવી શકાય.
     અહીં સવાલ એ આવીને ઊભો રહે છે કે શું ટયૂશન કરતા શિક્ષકો વિદ્યાર્થીને સ્વતંત્ર રીતે ભણાવવાની ક્ષમતા ધરાવે છે ખરા? આજે જેઓ ટયૂશન્સ કરે છે તેમાંના મોટા ભાગના શિક્ષકો તો આ માટે પૂરતા સજ્જ હોય તેવું જણાતું નથી. જો વાલીઓને બાળકોને સ્કૂલમાં મોકલ્યા વિના બહારથી જ પરીક્ષા અપાવવાનો વિકલ્પ આપવામાં આવે તો પણ કેટલા વાલીઓ માત્ર ટયૂશન ટીચર ઉપર ભરોસો રાખી બાળકને સ્કૂલે મોકલવાનું બંધ કરે એ મોટો સવાલ છે. આજકાલના ઘણા ટયૂશન ટીચરો તો બાળકને માત્ર હોમવર્ક કરાવવાનું જ કાર્ય કરતા હોય છે. ઘણી છોકરીઓ એસએસસી પાસ થઈને ટયૂશન કરવા માંડે છે. ઘણી ગૃહિણીઓ પાર્ટ ટાઈમમાં ટયૂશનો કરે છે. તેમની શૈક્ષણિક લાયકાત શંકાસ્પદ હોય છે. તેઓ બાળક ઉપર વ્યક્તિગત ધ્યાન આપશે એવા વિશ્વાસ સાથે વાલીઓ તેમને આકરો પગાર ચૂકવે છે.
    બાળકને ભણવા માટે સ્કૂલમાં અને ટયૂશનમાં એમ બંને સ્થળે મોકલતા વાલીઓ બંને બાજુથી છેતરાય છે. સ્કૂલના ટીચરો તેને સરખું ભણાવતા નથી. ઘણા શિક્ષકો તો સ્કૂલમાં સ્પષ્ટ કહે છે કે ન સમજાય તો ટયૂશન ટીચરને પૂછી લેજો. ટયૂશનના ટીચરો વિદ્યાર્થીને સ્વતંત્ર રીતે કોઈ જ વિષય સાંગોપાંગ ભણાવવાની આવડત લગભગ ધરાવતા હોતા નથી. તેઓ તો સ્કૂલમાં જે પાઠ ચાલ્યો હોય તેના સવાલ-જવાબ ગોખાવે છે કે હોમવર્ક જ કરાવે છે. બે ઘરનો પરોણો ભૂખ્યો રહે છે. વાલીઓને તો ખરેખર બાળક શું ભણી રહ્યું છે તેની કોઈ ગતાગમ જ નથી હોતી. વર્ષના અંતે પરીક્ષાનું પરિણામ આવે ત્યારે તે ચોંકી ઉઠે છે. આ માટે સ્કૂલના ટીચરનો વાંક કાંઢવો કે ટયૂશન ટીચરનો તેની ખબર ન પડતા તે છેવટે વિદ્યાર્થીને અને પોતાના નસીબને દોષ આપ્યા કરે છે.
      વિદ્યાર્થીને ખરેખર ભણવું હોય તો માત્ર સ્કૂલમાં જઈને તે ભણી શકે છે, તેને ટયૂશનની કોઈ જરૃર નથી. આજે વિદ્યાર્થીઓ જે ટયૂશન રાખે છે તે સ્ટેટસ માટે અને સમાજની દેખાદેખીથી રાખે છે. અને જો ટયૂશનનો ખરેખરો લાભ મેળવવો હોય અને તેની પાછળ ખર્ચેલા પૈસા વસૂલ કરવા હોય તો બાળકને ભણાવવાની બધી જ જવાબદારી ટયૂશન ટીચરને સોંપી બાળકને સ્કૂલમાં મોકલવાનું બંધ કરવું જોઈએ. આ ત્યારે જ શક્ય બને જ્યારે બધી સ્કૂલો એકસ્ટર્નલ વિદ્યાર્થીઓની પરીક્ષા લઈ તેમને પાસ કરવાની સત્તા ધરાવતી હોય. સરકારે બધી માન્યતા પ્રાપ્ત શાળાઓને આવી સત્તા આપવી જોઈએ. બાળકને સ્કૂલ અને ટયૂશન એમ બેવડી ચક્કીમાં પીસવાનો કોઈ મતલબ નથી. તેથી ડબલ સમય, ડબલ શક્તિ અને નાણાં વેડફાઈ જાય છે અને સરવાળે બાળકની કેળવણી તો કાચી જ રહી જાય છે.
      ભારત સરકારે જે પહેલી પંચવાર્ષિક યોજના બનાવી તેમાં શિક્ષણ પાછળ કુલ ૧૫૧ કરોડ રૃપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. દસમી પંચવાર્ષિક યોજનામાં શિક્ષણ પાછળ કુલ ૪૩,૮૨૫ કરોડ રૃપિયાનો ખર્ચ કરવાની ધારણા રાખવામાં આવી છે. ઈ.સ. ૨૦૦૮-૦૯ની સાલમાં આપણું જે કુલ રાષ્ટ્રીય ઉત્પાદન હતું તેના ૩.૯૮ ટકાનો ઉપયોગ શિક્ષણ આપવા માટે કરવામાં આવ્યો હતો. નવમી પંચવાર્ષિક યોજનામાં શિક્ષણ માટે ૨૪,૯૦૮ કરોડ રૃપિયાની ફાળવણી સામે દસમી યોજનામાં જે ફાળવણી કરવામાં આવી છે તે ૭૬ ટકા જેટલી વધુ છે.
      દસમી યોજનામાં પ્રાથમિક શિક્ષણ માટે જ ૩૦,૦૦૦ કરોડ રૃપિયા ફાળવવામાં આવ્યા છે, જ્યારે માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ માટે ૧૩,૮૨૫ કરોડ રૃપિયા ફાળવવામાં આવ્યા છે. એક જ વર્ષ માટે પ્રાથમિક શિક્ષણ પાછળ ૪૯૦૦ કરોડ રૃપિયાનો અને માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ પાછળ ૨૧૨૫ કરોડ રૃપિયાનો ખર્ચો કરવાની આપણી સરકારની ધારણા છે. આ ૨૧૨૫ કરોડ પૈકી ૬૬૯ કરોડ માધ્યમિક શિક્ષણ પાછળ, ૬૧૩ કરોડ કોલેજના શિક્ષણ પાછળ અને ૭૦૦ કરોડ રૃપિયા ટેકનિકલ શિક્ષણ પાછળ ખર્ચવામાં આવશે. ટૂંકમાં આપણી સરકાર શાળા-કોલેજના શિક્ષણ પાછળ દર વર્ષે આશરે ૭,૦૦૦ કરોડ રૃપિયાનો ખર્ચો કરી રહી છે, જેમાં દર વર્ષે ઉત્તરોત્તર વૃદ્ધિ થઈ રહી છે. શિક્ષણના વધારાના ખર્ચને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર તરફથી બે ટકાનો સેસ પણ લાદવામાં આવ્યો છે.
        સરકાર શિક્ષણ પાછળ જે ખર્ચો કરે છે તે મુખ્યત્વે સ્કૂલો-કોલેજોને આપવામાં આવતી ગ્રાન્ટના સ્વરૃપમાં અને સરકારી સ્કૂલો અને કોલેજો ચલાવવા પાછળ કરે છે. આ રકમમાંથી શિક્ષક-શિક્ષિકાઓના પગારો તેમ જ ભથ્થાંઓ ચૂકવવામાં આવે છે. આ સરકારી ખર્ચ સિવાય સમાજ તરફથી પણ શિક્ષણ પાછળ અનેક ખર્ચાઓ કરવામાં આવે છે, જેનો કોઈ હિસાબ જ નથી.
       આ ખર્ચાઓ ગ્રાન્ટ ન લેતી ખાનગી શિક્ષણ સંસ્થાઓની ફીના સ્વરૃપમાં, કોચિંગ કલાસની ફી, ટયૂશન ટીચરનો પગાર, ગાઈડો, વર્કબુકો અને એકસરસાઈઝ બુકો પાછળના ખર્ચા વગેરેના સ્વરૃપમાં હોય છે. આ બધાં જ ખર્ચાઓનો જો સરવાળો કરવામાં આવે તો વર્ષે શિક્ષણ પાછળનો દેશનો કુલ ખર્ચ દસ હજાર કરોડ રૃપિયાને પણ વટાવી જતો હશે. અહીં વિચારવાનું એ રહે છે કે વર્ષે દસ હજાર કરોડ રૃપિયાનું આંધણ કર્યા પછી આપણા શિક્ષણના સ્તરમાં કોઈ સુધારો થાય છે ખરો?

No comments: